નિષ્ફળતા: પાચ્ય કે અપાચ્ય

લેખનું શીર્ષક જોઈને ઘબરાઈ જવાની જરૂર નથી; અહીં મારે કાંઈ તત્ત્વચિંતનનો ભંડારો નથી ખોલવો અને નથી મને કોઈ રંગીન પીણું પીને સોક્રેટિસ બનવાની આદત!! એટલે ડોન્ટ ફિકર…. 

એટલું પણ ના પીવો કે એ પણ ભાન ના રહે કે સોક્રેટિસ ઓફ ગ્રીસ સારું લાગે,સોક્રેટિસ ઓફ ગિરિશ નહીં!!

હવે મૂળ મુદ્દા પર આવીએ તો આપણે ઘણાં મહાનુભાવો પાસેથી સાંભળીએ કે નિષ્ફળતા તો પચાવી જવાની હોય, પણ મને પ્રશ્ન થયો કે નિષ્ફળતા પચે ક્યાં?? એનું પણ કાંઈક પાચનતંત્ર હોતું હશે ને?? આપણે ખાધેલ દરેક એલફેલ વસ્તુ જઠર પચાવી દે છે, અંદર વરાળુ મારતો એસિડ ખરો ને!! તો આ નિષ્ફળતાને પણ બાળી નાખતો હશે આ એસિડ? પછી વિચારમાં પડી ગયો કે જઠરમાં શું પચી જાય નિષ્ફળતા?? પછી થયું કે નાહકનું થિયરીમાં માથું મારું છું, ચાલોને પ્રેક્ટિકલી અજમાવું. પણ નિષ્ફળતા શોધવા કયા જવી?? 10-12 બોર્ડનાં રિઝલ્ટ આવ્યાને ય દશકો જતો રહ્યો હોય તેવો માહોલ હતો. ઉપરથી લટકામાં જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પણ રિઝલ્ટ પેન્ડિંગ નહોતું કે એમનાં ઘા પર થોડું સાંદ્ર હાઇડ્રોક્લોરીક એસિડ ભભરાવવા જઈએ.(જે બાકી છે, એ તો સદાબહાર છે, અને કદાચ સદા બહાર પણ છે!!) બસ પછી તો રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ બચતો નહોતો. મન લગાવીને રાહ જોઈ ત્યાં એક ભાઈ ખાબક્યો. વરસાદની સિઝન છે અને ભૂવાઓનો જમાનો છે અને એ ભૂવા ધૂણતા નથી, ધૂણાવે છે.

3ડી સ્પીડબ્રેકર યુ નો… ના મિત્રો!! આ ચા નથી…
વાત એમ બની કે, પાડોશમાં રહેતા એક મિત્રને 12 પછી જે કોલેજમાં પ્રવેશ જોઇતો હતો ત્યાં ના મળતાં બીજી કોલેજમાં પ્રવેશ મળ્યો. મરશિયા ગવાતા હોય તેવા અવાજે ત્યાંથી ઘાંટા સંભળાવા લાગ્યા.આટલી રોકકળ જોઈને તો કોઈને એમ જ થાય કે આવતી સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં પરિક્ષાર્થીઓએ ભારતની વસ્તી ગણતરીનો નવો આંકડો યાદ કરીને જવું પડશે. ભારતીય રીત રિવાજોને નાતે મારે પણ તેના ખબર અંતર પૂછવા જવું પડ્યું. ખબર પૂછી ત્યાં અંતરમાંથી અવાજ આવ્યો, સમય આવી ગયો છે ટેક-1 નો, આથી સારો સમય નહીં મળે. બસ, પછી તો શું હતું એ મિત્રની ખાતિરદારી શરૂ કરી. એના માટે સ્પેશ્યલ બેકરીમાંથી ગરમાગરમ પફ લઈને આવ્યો. એ ભાઈ મારી નજર સામે પૂરો પફ ઉલાળી ગયો. મને થયું હાશ!! પ્રેક્ટિકલી પણ સાચું પડ્યું ખરા!! ત્યાં તો મારા વિચારોની આકાશગંગામાં સુપરનોવા વિસ્ફોટ કરતા એણે ફરી પાછું રોદણાં રોવાનું શરૂ કર્યું અને, મે જઠરને કીધું, “બેટા! તુજસે ના હો પાયેગા!”

કોઈ આ રીતે નિષ્ફળતાને પણ કોરી ખાતું હોત તો??

હવે એક વસ્તુ તો નક્કી થઈ ચૂકી હતી કે મેગી-કુરકુરે જેવી વસ્તુઓ થોડી વારમાં હતી નહોતી કરી નાખતું આપણું પાચનતંત્ર નિષ્ફળતા પચાવવા જેટલું પાવરફુલ હજુ નથી બન્યું. આપણે ફરી ત્યાં જ પહોંચી ચૂક્યા હતાં જયાંથી શરૂઆત કરી હતી. નિષ્ફળતાને પચાવનારું પાચનતંત્ર શોધવાનું કામ ફરી શરૂઆતે આવીને ઉભું રહ્યું. “જેસે કી ફિઝૂલ કામ ના હુઆ, સી.આઈ.ડી. કા કેસ હો ગયા, સોલ્વ હી નહીં હો રહા”

કુછ તો ગડબડ હે દયા!! કુછ તો હમસે છૂટ રહા હે!!
પછી બીજે દિવસે બેક ટુ બેક સી.આઈ.ડી.નાં એપિસોડ જોઈ એ.સી.પી. પ્રદ્યુમનનાં આશીર્વાદ લઇ મચી પડ્યો. (ક્યુકી જાની!! GoT તો બચ્ચે દેખતે હે, અસલી મર્દ તો સિર્ફ ઔર સિર્ફ CID દેખતે હે!!) ….. (વધુ આવતા ભાગમાં)

Advertisements

શશશશ……કોઈને કહેતા નહીં, હું અહીં છું….

છેલ્લા પાંચેક વર્ષથી ફેસબૂકનાં આંગણે પગ જમાવવાની કોશિશ કરી રહ્યો હતો. પડતાં આખડતાં આખરે ૨૫૦૦થી ઉપર ફોલોઅર્સ બનાવી તો લીધા પરંતુ હજુ મન કચવાતું હતું કે જોઈએ તેટલું વાંચક મિત્રો સાથે જોડાણ નથી કરી શકાતું. આ જ અરસામાં એક મિત્રએ મારી પાસે બ્લોગનું મહિમામંડન કર્યું. મને થયું કે આ ધૂળ ખાઈ ગયેલી પુરાતન કાળની વસ્તુઓ હજુ જીવિત હશે કે શું? (હા! હું ખોટો હતો, કેમ કે મને નહોતી ખબર કે ફેસબૂક તો માત્ર થોબડા પચ્ચિસી સુધી સીમિત છે, અને બ્લોગ એ ભાવનાઓનું સમન્વય છે) તરત મોબાઇલ પર આંગળીઓ ફેરવી જુદા જુદા બ્લોગ ફેંદવા માંડ્યો. આંખો ચારમાંથી છ થઈ ગઈ (હા ચાર!! કેમ કે હું ચશ્માધારી ગેંગનો માણસ છું!) બ્લોગની દુનિયા તો મે પ્લુટો જેવી ધારી હતી ઠંડી અને ઉપેક્ષિત, પણ તે તો મંગળ જેવી નીકળી લાલી વાળી અને અચંબિત કરનારી.. બસ એ જ મિનિટે નક્કી કર્યું કે ભાઈ આપણે તો આવવાના.. સ્વાગત નહીં કરોગે હમારા… 

ક્યાં રંજ કોઈથી ઢંકાવાનો, હું તો નભ-ધરાનાં મિલાપનો આહવાહક જો બનું છું

‘ક્ષિતિજ’ નામથી લખવાનું શરૂ કર્યું ત્યારે ફક્ત કાવ્યાત્મક અછાંદસ સર્જન શરૂ કર્યું. સમય વહેવા માંડ્યો એમ મનમાં વિચારોનાં ઘોડાપૂરમાં ખુદ પણ તણાવા માંડ્યો. થયું કે, “આકાશ પાતાળ એક થવાનું પ્રતીકાત્મક નામ લઈને બેસી તો ગયો છું, પણ એને સાર્થક કરવા માત્ર પદ્ય પૂરતું નહીં નીવડે, એક સાથે એક ફ્રીનો જમાનો છે, તો કૈંક નવું પીરસવું પડશે.”અને આ વિચાર સાથે જન્મ થયો મારા ગઘ્યાત્મક લખાણનો. વાર્તા, લઘુનવલ, લેખો, ટીપ્પણીઓ… બધે ચાંચ ડૂબાડવાનો પ્રયત્ન કર્યો. એક-બે વાર ચાંચ ભાંગી ગયાનાં દાખલા છે, પણ ફર્સ્ટ એડ કીટ ભેગી જ રાખું છું એટલે બહુ વાંધો નથી પડ્યો હજુ સુધી.

સ્ટેપનીનાં જમાનામાં પંચરથી થોડી બીવાનું, તમતમારે મંડ્યા રહો

બસ હવે વધારે લપ્પન છપ્પન નથી કરવી, નહીં તો એકથી ચારનો સમય રાજકોટવાસીઓ માટે અપેક્ષા કરતાં થોડો વહેલો આવી જશે. બસ આખરે એટલું જ કહીશ કે,

“ના આપ દુશ્મનાવટને શાશ્વતનો કોઈ પર્યાય ક્રોધનાં સુમારે

કે ધૂર વિરોધી આભ-તળ પણ ક્ષિતિજે મળે છે વણગુમાને”